Sunday, February 25, 2018

મમ્મી જીવી રહી છે...

કોણ કહે છે મમ્મી મારી, મરી ગઈ છે,
અરે એ તો મારા અંતરમાં જીવી રહી છે,
નાની કરી પોતાની ઉંમર, જીવન મારું લાંબુ કરી ગઈ છે,
મમ્મી મારા હૃદયમાં જીવી રહી છે,
આત્મવિશ્વાસ, અને સ્વાવલંબીનો ગુણ શીખવી ગઈ છે,
મમ્મી મારી મારા સંસ્કારોમાં જીવી રહી છે,
માન, સન્માન, પ્રેમ, સ્નેહ ને લાગણીઓનો વારસો સોંપી ગઈ છે.
મમ્મી મારી યાદોમાં જીવી રહી છે,
નવું નવું શીખવાની જીજ્ઞાસા પ્રગટાવી ગઈ છે,
મમ્મી મારી આવડતમાં જીવી રહી છે,
અંતરમાં નિખાલસતા અને પ્રસન્નતાનું બીજ રોપી ગઈ છે,
મમ્મી મારા હસમુખા સ્વભાવમાં જીવી રહી છે,
સકારાત્મકતાનો પાઠ ભણાવી ગઈ છે,
મમ્મી મારા સકારાત્મક વિચારોમાં જીવી રહી છે.
કોણ કહે છે મમ્મી મારી, મરી ગઈ છે,
અરે એ તો મારા રોમરોમમાં જીવી રહી છે.

- હાર્દિક "કલ્પદેવ" પંડ્યા.

Monday, October 23, 2017

આ નૂતન વર્ષની...

દિવાળીની ઝગમગાવતી રાત્રી ગઈ વીતી,
આવી નવી સવાર આ નૂતન વર્ષની..

જય શ્રી કૃષ્ણ આપ સૌને,
સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ આ નૂતન વર્ષની..

શુભ રહે દરેક દિવસ,
સુંદર વીતે દરેક રાત્રી આ નૂતન વર્ષની..

સ્વસ્થ રહે સ્વાસ્થ્ય આપનું,
પ્રગતિ ને પ્રસિદ્ધિ લાવે પધરામણી આ નૂતન વર્ષની..

ગાઢ બને સંબંધો,
વીતે દરેક પળ આનંદથી આ નૂતન વર્ષની..

વેર, દ્વેષ, ને ક્લેષ રહે દૂર,
પ્રેમ, સ્નેહ, ને વાત્સલ્યથી હરીભરી રહે દરેક ક્ષણ આ નૂતન વર્ષની..

- હાર્દિક કલ્પદેવ પંડ્યા

Sunday, April 30, 2017

વાંચતા શીખો

શબ્દો વાંચતા શીખો,

શબ્દોની અંદર રહેલી ભાવનાઓ વાંચતા શીખો,

ક્યારેક શબ્દો થકી ગેર સમજ ઊભી થાયને,

ત્યારે શબ્દો(વાતચીત) થકી ચોખવટથી સંબંધો સાચવતા શીખો...

સગા-સંબંધી, આપ્તજનોથી જ આ દૂનિયા છે,

મીઠા શબ્દો થકી સંબંધો નિભાવતા શીખો.

શબ્દો નહિ પણ શબ્દો પાછળની ભાવના વાંચતા શીખો...

- હાર્દિક કલ્પદેવ પંડ્યા

Saturday, December 24, 2016

જરા ધીરે બાપુડીયા

વારાફરથી વારો,
ગૂંજશે તારોય નારો,
આમ ઉતાવળે ક્યાં ચાલ્યો ?
જરા ધીરે બાપુડીયા !

પથમાં આવશે ગારો,
દિમાગનો ચડશે પારો,
પીઠે ભોંકાશે ત્યાં ભાલો.
જરા ધીરે બાપુડીયા !

ક્યારેક ચરાવશે ચારો,
કટાક્ષ આપશે સારો,
અપશબ્દમાં કે'શે " સાલ્લો.."
જરા ધીરે બાપુડીયા !

જીવતા સજાવશે હારો,
એમ બતાવશે આરો,
બરબાદ કરશે મે'નતનાં ફાલો.
જરા ધીરે બાપુડીયા !

અંતે ચમકશે તારો,
મીઠો લાગશે સાગર ખારો,
દાઢમાં બોલશે વ્હાલો વ્હાલો..
જરા ધીરે બાપુડીયા !

-શીતલ ગઢવી"શગ"

Tuesday, December 13, 2016

ખરી પડેલી લાગણી...!

એક લાગણી નામે પ્રેમ..
હૃદયમાંથી ખરી પડી..!

હૃદયે બહુ ધમપછાડા કર્યા..
આખા શરીરની ક્રિયાઓ રોકી નાખી..!

શરીર પરેશાન.. મન દુઃખી..!
અંતે મન અને શરીર વચ્ચે ઘર્ષણ થયું.
પ્રેમને હૃદયમાં ફરી સ્થાપિત કરવા..

પણ.. આ તો પ્રેમ!
ઈશ્વર વસી જાય હૃદયમાં જરૂરત પડતા..

પણ પ્રેમ..?

પ્રેમને પ્રેમ સિવાય કોઈ હૃદયમાં લાવી શકે..!?
અને હ્રદયને એક બીજો મહેમાન મળ્યો..
ખાલીપણું..!

હ્રદયના ઊંડાણમાં એ ખાલીપણું ધરબાઈ ગયું..
શરીર એ ખાલીપણા સાથે જ જીવી ગયું..
ને આ ધબકતી દુનિયાએ એની નોંધ સુદ્ધાં ના લીધી..!!!

-મીરા જોશી

Tuesday, October 25, 2016

વિશ્વાસ...

શું સાંભળીશ તું..?

વાર્તા એક ખરાબ માનવની..

જાણું છું સાચી નહિ લાગે આ કહાની વિશ્વાસની..

કરતો હતો જેમ ભરોસો દરેક ગલી મહોલ્લા પર..

એમજ કરતો રહ્યો વિશ્વાસ દરેક માનવી પર પણ..

કેટલા સ્નેહથી પાળી સાંભળી હતી મેં

દરેક વિશ્વાસની ઈંટને..

પછી એક દિવસ એવું થયું..

પછી એક દિવસ એવું થયું કે..

નીકળ્યું એક ખંજર એ જ ગલીમાંથી..

જ્યાં વિશ્વાસ દફન હતો મારો..

ખંજર એ આરપાર થયું મારી અંદરથી અને..

ચીરીને લઇ ગયો વિશ્વાસ મારો..!

-મીરા જોષી

Monday, October 24, 2016

એક રાત હતી એ

એક રાત હતી એ,

એક રાતની માત્ર એક વાત હતી એ,

કેટલી રાતો, કેટલી વાતો, કેટલા શ્વાસ હજી બીજા છે,

પછી ઉદાસ છે શાને તું?

આંખ છે, નજર છે, તો સપનાં પણ હશે...

ભાવના છે, હિમ્મત પણ છે, તો સપનાં સાચા પણ થશે...

એક રાત હતી એ, એક રાતની માત્ર એક વાત હતી એ...

આખરે વાત બદલવામાં વાર કેટલી લાગે છે.?


-મીરા જાષી.